ભારત પાકિસ્તાન સંબંધો પર નિબંધ

ભારત પાકિસ્તાન સંબંધો પર નિબંધ | Bharat Pakistan Sambandh Nibandh Gujarati Information | GPSC | UPSC | Gujarati Nibandh

ભારત પાકિસ્તાન સંબંધો પર નિબંધ
ભારત પાકિસ્તાન સંબંધો પર નિબંધ

ભારત પાકિસ્તાન સંબંધો પર નિબંધ

ભારત પાકિસ્તાન સંબંધો પર નિબંધ: ઈશ્વર અને પ્રકૃતિએ જેને એક બનાવ્યા હતા, એક મા ના બે સંતાન એવા ભારત અને પાકિસ્તાનના ભાગલા 14 ઓગસ્ટ, 1947ના રોજ પડ્યાં. જિદ્દી સ્વભાવના કાયદાના પ્રખર જ્ઞાન ધરાવતાં ‘કાયદે આઝમ’ મહંમદ અલી ઝીણાની કોમી હિતની વિચારધારા, હિંદુઓ પ્રત્યેની કટ્ટરતા અને આખા હિંદુસ્તાનના મુસ્લિમોનું પ્રતિનિધિત્વ તેઓ એકલાં જ કરતાં હોવાની ભ્રમણા ના દુષ્પરિણામે ભારત- પાકિસ્તાન અલગ પડ્યાં, સીમાઓની વહેંચણી થઈ, સંપત્તિની વહેંચણી થઈ. સૈન્યની વહેંચણી થઈ સાથે લોકોની પણ વહેંચણી થઈ. ઉત્તર-પશ્ચિમમાં આવેલું પંજાબ અને પૂર્વ પાકિસ્તાન તરીકે તે સમયે ઓળખાતું બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં કત્લેઆમ થઈ સેંકડોની સંખ્યામાં પરિવારો બરબાદ થયા. અવર્ણનીય દુષ્કૃત્યોનું અનિચ્છાએ ભારત અને પાકિસ્તાન સાક્ષી બન્યું.

કોઈપણ દર્દ, પીડા કે પ્રશ્નનું નિરાકરણ સમય છે તે સિદ્ધાંતે ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચે તૂટી ગયેલી એકતાની ભાવના ફરી પાછી સધાશે તેવી અપેક્ષા સેવાતી હતી પરંતુ તે સમયે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે આ સમસ્યા એટલી વિકરાળ બની જશે કે તેનો ઉકેલ લગભગ અસંભવ બની જશે. આઝાદીને 69 વર્ષ પૂર્ણ થયાં છતાં સમસ્યા વધુને વધુ વિકરાળ બનતી જાય છે. સંબંધોમાં સતત ચઢાવ-ઉતાર અને ચાર ચાર યુદ્ધો પછી પણ કોઈ સચોટ પરિણામ જોવા નથી મળ્યું.

આંતકવાદની ‘ફેક્ટરી’ બની બેઠેલો પાકિસ્તાન પોતે આતંકવાદનો ઓછાયો ભોગવે છે સાથે સરહદ પર સીધું યુદ્ધ લડવાને બદલે ભારતમાં આતંકવાદની ઘૂસણખોરીને પ્રેરીને અવારનવાર આતંકવાદી હુમલાઓ દ્વારા ભારતમાં આતંક અને માતમનું વાતાવરણ બનાવવા માંગે છે. અનેક વાટાઘાટો, ચર્ચા વિચારણાઓ સમજૂતી, કરારો, મંત્રણાઓને એક મજાક બનાવી પોતાની ક્ટરવાદી, માનવવિરોધી વિચારધારાને પોષવાનો પ્રયત્ન કરે છે.

તાજેતરમાં થયેલા ઉરી હુમલાએ ક્રૂરતાની હદ વટાવી દીધી. દરેક દેશવાસીના મનમાં પાકિસ્તાન પ્રત્યે ખુન્નસની લાગણી પેદા કરી અને કેટલાંક સવાલો અચૂક થયા, ‘આ હુમલાઓ ક્યાં સુધી ?, ‘શું આ પ્રકારના હુમલાઓને ન રોકી શકાય?’ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે કહેવત મુજબ ભારતે સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સંધિને અટકાવવા વિચારણા બેઠક યોજી, સાર્ક શિખર સંમેલન જે ઈસ્લામાબાદમાં યોજાવાનું હતું તેનો બહિષ્કાર કર્યો. આતંકવાદને પોષતા પાકિસ્તાન પ્રત્યે સાર્કના અન્ય સભ્ય દેશોને પણ ઘૃણા રહેલી છે જેના પરિણામે અન્ય દેશોએ પણ સાર્ક સંમેલનનો બહિષ્કાર કરતાં સંમેલન રદ કરવું પડ્યું.

UNOના વાર્ષિક અધિવેશનમાં ભાગ લેવા માટે ગયેલા આપણા માનનીય વિદેશમંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી અને જ્યાં સુધી પાકિસ્તાન, તેના દેશમાં પોષણ મેળવી રહેલા આતંકવાદીઓનો ખાત્મો નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાનને વિશ્વથી અલગ કરી દેવાની હિમાયત કરી.

કુદરતી શત્રુની જેમ વર્તી રહેલું પાકિસ્તાન કાશ્મીર મેળવવાના ગેરવાજબી કારણો આગળ ધરી ભારત પાકિસ્તાન સરહદે સતત તણાવભર્યું વાતાવરણ સર્જીને તેમજ કાશ્મીરમાં અલગતાવાદી વર્ગ ઊભો કરીને તેમજ તેને છૂપી આર્થિક અને લશ્કરી મદદ કરીને પોતે કશું જ ઊકાળી નથી શક્તો. પોતાના દેશના લોકોની પરિસ્થિતિ આજે દયનીય બની છે આર્થિક બાબતોમાં પછાત બની પાકિસ્તાન પોતે જ તેના માટે જવાબદાર છે.

ભારત-પાકિસ્તાન સંબંધોનું ભવિષ્ય: ભારત-પાકિસ્તાન સંબંધોનું કોઈ ભવિષ્ય જ દેખાતું નથી, એક ધૂંધળી ચાદર રચાઈ છે. ગાંધીવાદી વિચારધારાને વરેલા ભારત દેશે હંમેશા અહિંસાનો માર્ગ અપનાવ્યો છે અને ક્યારેય કોઈ દેશ પર આક્રમણ નથી કર્યું પરંતુ સહનશક્તિની કોઈ હદ હોય ! પાકિસ્તાન આ હદ ક્યારનું વટાવી ચૂક્યું છે. આથી તેને જવાબ આપવો આવશ્યક બની ગયું છે. ઈંટનો જવાબ પથ્થરથી જ અપાતો હોય છે. પરંતુ એ વાત પણ ચોક્કસ છે કે યુદ્ધ એ કોઈ નક્કર સમાધાન નથી જો એ સમાધાન હોત તો અત્યાર સુધીમાં ભારત પાકિસ્તાન વચ્ચે 1948, 1965, 1971 અને 1998 એમ કુલ ચાર યુદ્ધો થઈ ચૂક્યા છે. પરંતુ હજુ સુધી શાંતિ કે અમનની સ્થાપના નથી થઈ તે આપણા સૌ માટે દુર્ભાગ્ય છે.

પાકિસ્તાનમાં વસતાં દરેક નાગરિકો આપણા બંધુઓ છે, તેઓ આપણાં દુશ્મનો નથી માનવવિરોધી માનસિકતા ધરાવતાં જુજ આતંકવાદીઓ આપણા જ નહી સંપૂર્ણ માનવતાના દુશ્મનો છે. જ્યારે બંને દેશોના લોકો એકબીજાની સામે માન અને આદરની દ્રષ્ટિએ જોશે ત્યારે ભારત-પાકિસ્તાનના સંબંધોમાં મીઠાશ આવશે. આજે પાકિસ્તાનમાં સ્કૂલ શિક્ષણમાં તેના પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે એ જ્યારે બંધ થશે ત્યારે આતંકવાદીઓ પણ બનવાનું બંધ થશે, ફરી સુલેહનું વાતાવરણ સર્જાશે.

ભારત પાકિસ્તાનના સંબંધોની ભવિષ્ય અંગે ધારણા બાંધવી મૂંઝવણભર્યું છે. ‘યુદ્ધ એ જ કલ્યાણ’ એ વાત સાચી પરંતુ બંને દેશો અણુશક્તિ ધરાવે છે, જો યુદ્ધમાં અણુશક્તિનો પ્રયોગ કે અખતરો થશે તો તેની અસર ખૂબ લાંબા સમયગાળા માટે ખરાબ પરિણામો આપતી અસર સાબિત થશે.

Rate this post

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment