ભૂકંપ પર નિબંધ | ભૂકંપ વિશે માહિતી ગુજરાતી

ભૂકંપ વિશે નિબંધ | ભૂકંપ વિશે માહિતી | Bhukamp Nibandh | ભૂકંપ સંબંધિત સલામતીની માહિતી | ભૂકંપ એટલે શું | ભૂકંપ વિશે ગુજરાતી નિબંધ | Bhukamp in Gujarati | ભૂકંપના કારણો | ભૂકંપની આગાહી | કચ્છ ભૂકંપ

bhukamp par nibandh

 

ભૂકંપ પર નિબંધ

તાજેતરમાં તુર્કી અને શેરીયામાં આવેલ વિનાશક ભૂકંપથી વિશ્વ આખું હચમચી ગયું. પણ પાંચ થી વધુની તીવ્રતા ના ભૂકંપ ના ઝટકાએ તુર્કીને લગભગ કાટમાળ માં ફેરવી દીધું. તુર્કી ભારત સાથે વૈચારિક અને રાજનીતિક વિરોધ આ પાસ ધરાવતો દેશ હોવા છતાં ભારત દ્વારા માનવતાના નાતે ત્યાં ‘ ઓપરેશન દોસ્ત’ ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારત સરકારે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમો સાથે ડોક્ટરની પણ ધીમો મોકલી એક ખરા ‘દોસ્ત’ ની ભૂમિકા નિભાવી. છતાં પણ તુર્કીમાં આવેલા ભૂકંપે 21મી સદીના ટેકનોક્રેટ માનવીને પણ લાચાર અને પંગળો સાબિત કર્યો તેમાં કોઈ બે મત નથી. સામાન્ય રીતે આ પ્રકારની ધતનાને તજજ્ઞો દ્રારા કુદરતી આફત તરીકે વર્ણવવામાં આવે છે. પરંતુ કુદરતી આફતની તીવ્રતા ઓછી હોવા છતાં માનવીય ભૂલના કારણે તે વિનાશક સાબિત થાય છે. અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે.

ભૂકંપ વિશે માહિતી

ભૂકંપ એ પૃથ્વીના ઉપરના સ્તર (Crust)માંથી અચાનક ઊર્જા મુક્ત થવાથી સર્જાતી ધ્રુજારીના કંપનોનું પરિણામ છે. તેની તીવ્રતા સીસ્મોગ્રાફ નામના યંત્રમાં ‘રિક્ટર સ્કેલ’ એકમમાં માનવામાં આવે છે. ભૂકંપ જમીનની અંદરના જે બિંદુ પરથી ઉદ્ભવ્યો તે બિંદુને હાઈપોસેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ કંપન ધરતીની સપાટી પર જ્યાં સૌથી પહેલાં સ્પર્શે તેને ભૂકંપનું ‘એપિસેન્ટર’ કહેવામાં આવે છે. ભૂકંપ દરમિયાન ભૂકંપ કેન્દ્રમાંથી જુદા જુદા પ્રકારના વૈવ ઉત્પન્ન થાય છે. જેમાં પ્રાઈમરી વેવ (P-Waves), સેકન્ડરી વેવ (S-Waves) અને સરફેસ વેવનો સમાવેશ થાય છે. જેમાં P Waves ટૂંકી તરંગ લંબાઈ અને ઉચ્ચ આવૃત્તિ ધરાવતા મોજા છે. જે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે છે, જ્યારે સેકન્ડરી વેવ ‘S’ આકારના અને ઓછો વેગ ધરાવતા હોય છે. તે માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે, પરંતુ પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી. જ્યારે પૃથ્વી પર ભૂકંપ બાદ સૌથી વધુ વિનાશ સરફેસ વેવના કારણે થાય છે જેની સામે આધુનિક માનવી નિઃસંદેહ લાચાર છે.

ભૂકંપના કારણો

સામાન્ય રીતે ભૂકંપ બે પ્રકારે થતા હોય છે. એક નોન ટેક્ટોનિક અને બીજો ટેક્ટોનિક, નોન ટેક્ટોનિક એટલે જવાળામુખી ફાટવાથી થતો ભૂકંપ, લાવા જ્યારે ફાટે ત્યારે દબાણ ઉત્પન્ન થાય છે અને તે દબાણને કારણે જમીનના ઉપલા સ્તરમાં આંચકા આવે છે જ્યારે ટેકનોનિક ભૂકંપ એટલે પૃથ્વી પર રહેલી જમીનની પ્લેટ એકબીજા સાથે અથડાય અથવા દૂર જાય ત્યારે પડતી તિરાડને કારણે થતો ભૂકંપ. ભૂકંપ બાદ ઘણા બધા નાના આંચકાઓ આવતા હોય છે, જેને આફ્ટર શોક્સ કહે છે.

ભૂકંપની આગાહી વિષે વૈજ્ઞાનિકો લાચાર

21મી સદીમાં વિજ્ઞાને હરણફાળ ભરી છે. માનવીને અમર બનાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. ત્યારે 21મી સદીનો ટેકનોક્રેટ માનવી પણ ભૂકંપની પૂર્ણ આગાહી કરવા સક્ષમ નથી. જો કે પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુઓના વર્તન પરથી ભૂકંપની આગાહી થોડા અંશે કરી શકાય છે. ચીનમાં વર્ષ 1975માં ગાય, ભેંસ અને ઘોડા તેમના મૂળ નિવાસસ્થાનેથી ભાગી ગયા અને ત્યા પરત ફરતા ન હતા. ત્યાં થોડા સમય બાદ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ વિષે સંશોધન કાર્ય કરનારા ચીની સંશોધક ઝોંગાઓએ વાદળો અને ભૂકંપ વિષેના સંબંધો પર સંશોધન કર્યું હતું. તેમણે પોતાના અભ્યાસ બાદ ઘણા વિસ્તારો પર ભૂકંપની આગાહી કરી પરંતુ તેઓ તેમાં 60% જ સફળ રહ્યા હતા. જ્યારે ભારતીય જ્યોતિષશાસ્ત્રના ગ્રંથોમાં પણ કેટલાક ગ્રહોની સ્થિતિને આધારે ભૂકંપની આગાહી કરવાની પદ્ધતિ વર્ણવેલી છે. છતાં પણ ભૂકંપ અંગેના સંશોધનકર્તા સેમ્યુઅલ અબ્રાહિમના મત મુજબ ‘ભૂકંપની આગાહી કરવા માટે ઘણા બધા પરિબળોનો સામૂહિક અભ્યાસ જરૂરી છે’ છતાં પણ ભૂકંપની સચોટ આગાહી 21મી સદીના ટેકનોક્રેટ માનવી માટે એક પડકાર છે.

કચ્છ ભૂકંપ

‘જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત’
– નર્મદ

ગુજરાતના ખોબલે ખોબલે વખાણ કરતી કવિ નર્મદની ઉપર્યુક્ત કવિતા ગુજરાતના ગૌરવની ઝાંખી કરાવે છે. જે દર્શાવે છે કે ગુજરાત એ ખરા અર્થમાં દેશનું ‘ગ્રોથ એન્જિન’ છે. આ જ ગ્રોથ એન્જિન પર 26 જાન્યુઆરી, 2001ના 51મા પ્રજાસત્તાક દિવસના અવસરે ‘પરભાતે’ આઠને છેતાલીસ મિનિટે આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી. તેનું કેન્દ્રબિંદુ ભૂજથી ઉત્તર પૂર્વમાં 20 કિ.મી. દૂર લોડાઈ ગામ હતું. આ ભૂકંપની તીવ્રતા 7.6 મેગ્નિટ્યુડ હતી. આ ભૂકંપની અસર દિલ્હી, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત સહિત વિદેશોમાં પણ અનુભવાઈ હતી. જેમાં અંદાજે 20,000થી પણ વધુ લોકોનો ભોગ લેવાયો હતો.

સારાંશ

ધરતી પર થતું કંપન એ માનવ જીવનને નકારાત્મક કંપન ભણી દોરી જાય છે. તેની આગાહી એક પડકાર હોવાથી ભૂકંપના રિક્ટર સ્કેલને ભલે ઓછો ન કરી શકાય પણ ભૂકંપ સંવેદનશીલ ક્ષેત્રોમાં અગમચેતી પગલાંઓ થકી ‘વિનાશના રિક્ટર સ્કેલ’ની તીવ્રતા અચૂકપણે ઘટાડી ‘21મી સદીનો લાચાર ટેકનોક્રેટ માનવી’ પોતાનો સ્વબચાવ ચોક્કસ કરી શકે છે.

2.7/5 - (3 votes)

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment