સરદાર વલ્લભભાઈ પટેલ પર નિબંધ

સરદાર વલ્લભભાઈ પટેલ નિબંધ, સરદાર વલ્લભભાઈ પટેલ નું જીવન ચરિત્ર અથવા જીવન પરિચય, essay on sardar vallabhbhai patel in gujarati, 100,200,300,500,700,1000 word nibandh, 10 line, sardar vallabhbhai patel speech in gujarati, sardar vallabhbhai patel vishay nibandh

સરદાર વલ્લભભાઈ પટેલ પર નિબંધ

સરદાર જતાં આખા દેશને પોતે શું ગુમાવ્યું છે તેનું એક ઝબકારામાં ભાન થાય એટલા એ સૌના જીવનમાં ઓતપ્રોત હતા. કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રજા રાતે આડે પડખે થતી ત્યારે એની નજર સરદારના મોં સામે રહેતી અને નિરાંતે એ આરામ લેતી. સરદાર જતાં એને એ ઓથ ગઈ એમ થયું અને એ આક્રંદ કરી ઊઠી. અંત્યેષ્ટિક્રિયા વખતનો રેડિયો અહેવાલ સાંભળતાં જેણે વચ્ચે વચ્ચે સંભળાતા સોનાપુરની દીવાલો બહારનાં ટોળાંના આર્તનાદ વચ્ચે કોઈકની ‘સરદા…ર !’ એવી વેદનાભરી ચીસ સાંભળી હશે તેને સરદાર જતાં જનસામાન્યની નિરાધારની લાગણીનો તરત ખ્યાલ આવ્યો હશે. પહેલાં એક વખત રાજસ્થાનમાં એમના વિમાનને વચ્ચે ઊતરી જવું પડ્યું હતું ત્યારે પણ આખા દેશે ધ્રુજારી અનુભવી હતી. સરદારે દેશની કોટિકોટિ પ્રજાના હૃદયમાં એક વહાલસોયા વડીલનું સ્થાન મેળવ્યું હતું.

ગાંધીજી જતાં જે બે નેતાઓ પોતાના તેજે પ્રકાશી શકે એવા રહ્યા તેમાંના એક સરદાર. આ હકીકત જ એમની અંતર્ગત મહત્તા સૂચવવા માટે પૂરતી ગણાય. અને ગાંધીજી સાથે એમને સામ્ય હોય તો તે પણ સૌથી વધુ તો એક વિરલ ગુણ અંગે. બંને અભય અનુભવનારા હતા, વીર હતા. ગુજરાત ક્લબમાં કર્મવીર મોહનદાસની કેળવણીની મોળીમોળી વાતો સાંભળવા કરતાં પાનાં રમવામાં જ મશગૂલ રહેનાર બાહોશ ધારાશાસ્ત્રીએ જ્યારે જોયું કે ગાંધીજીએ ચંપારણમાં મનાઈહુકમનો ભંગ કરીને અંગ્રેજી રાજ્યના પાયા ડગમગાવી મૂક્યા, ત્યારે એ આપોઆપ એમને પડખે જઈને ઊભા. આ માણસ અંગ્રેજ સરકારને અરજીઓ કરવાવાળો નેતા નથી, પણ હાથમાં માથું લઈને ફરે છે ને અંગ્રેજી રાજ્યને ઉખાડીને જ જંપશે એ એમણે જોયું કે તરત એમણે ગાંધીજીને સર્વભાવે સાથ આપ્યો અને અંગ્રેજી રાજ્ય કાઢવામાં જ્વલંત ભાગ ભજવ્યો. ગાંધીજીના સૈનિક બનીને એ દેશના

‘સ૨દા૨’ બન્યા. આદર્શ સેનાપતિના બધા ગુણો એમનામાં હતા: નીડરતા, દલબંધી, વ્યવસ્થા, શિસ્ત, વ્યૂહશક્તિ, વાત્સલ્ય, ત્વરિત નિર્ણય લેવાની શક્તિ, આત્મવત્તા – એ બધા ગુણોથી ઓપતા સરદાર પરદેશી શાસનને મસ્તકશૂળ સમાન થઈ પડ્યા.. ૧૯૩૦ના આંદોલન પછી દેશના યુવકોને વિચારસરણીની દૃષ્ટિએ સરદારથી ઓછોવત્તો મતભેદ રહ્યો છે, પણ સરદારના વાવટા નીચે રહીને લડવામાં ‘૩૦, ’૩૨, ‘૪૨ – બધી જ વખતે યુવકવર્ગે ગર્વ અનુભવ્યો છે. ‘૪૨માં રાષ્ટ્રીયવિદ્યાર્થી મંડળ આગળનું એમનું વ્યાખ્યાન પ્રેરણા ઊછળતું હતું… એમની વાણી, અને તેમાંય બારડોલીની, શક્તિના ઝરા સમાન હતી. સળગાવી મૂકે એવા કટાક્ષની એમને બક્ષિસ હતી, જે અખાની યાદ આપતી. સરદારની વાણી સાંભળનાર ગુજરાતી ભાષાને ‘શું શાં પૈસા ચાર’ હરગિજ કહી નહીં શકે.

સ્વાતંત્ર્ય મળ્યા પછી શાસનકર્તા તરીકે સરદારે બે વસ્તુઓ સિદ્ધ કરી. અંગ્રેજી જતાં દેશી રાજાઓ નિતા: પૂર્વમેવ । – મૃતવત્ હતા, પણ જે શાન્તિથી, પેટનું પાણી પણ ન હાલે એવી ધીરજ અને કુનેહથી એ પ્રશ્ન એમણે પતાવ્યો એથી બ્રિટિશ મુત્સદ્દીઓએ પણ આશ્ચર્ય અનુભવ્યું છે. પણ એમની સૌથી મોટી સેવા તો હિંદ જેવા દેશમાં અને તે સંક્રાન્તિના સમયમાં એમણે કાયદો અને વ્યવસ્થા સાચવ્યાં એ છે. હવે હિંદની આંતરિક શાંતિ અને સલામતી આવી દૃઢતાથી સંરક્ષનાર બીજો શાસનકર્તા પાકે ત્યારે ખરો.

સરદારના મહત્ત્વની ચાવી એકલક્ષિતા (single-mindeness) છે. એમને ઘણાની અપ્રિયતા વહોરવી પડી હશે, ઘણાથી એમને મતભેદ પણ રહ્યા હશે, પણ કદી એ પોતાના કર્તવ્યપથથી ડગ્યા ન હતા. નિઃસ્વાર્થ દેશસેવા એ એમની પ્રેરણા હતી. હિંદના ઇતિહાસમાં એમનું નામ અમર રહેશે. જનતાએ એ વીર નેતા પાછળ આક્રંદથી જ નહીં પણ વીરતા કેળવીને પોતાનો પ્રેમ દર્શાવવો જોઈએ. અને સરદારને અનુસરનારા – તેમ જ ન અનુસરનારા આગેવાનોએ પણ સરદારના જેવી નિઃસ્વાર્થતા અને કાર્યકુશળતા કેળવી પ્રજાને પડેલી ખોટ યથાશક્ય પૂરવાની રહેશે.

૧૯૨૮માં કૉલેજના પ્રથમ વરસમાં ભણતો ત્યારે સરદારને મેં પહેલા જોયા. બારડોલીમાં ભારતના સરદાર બનીને તેઓ અમદાવાદ આવી રહ્યા હતા. તેમની વિજ્યયાત્રા કાઢવામાં આવી હતી. શાંત સ્વસ્થ આકૃતિ. આંખમાં સહેજ રતાશ. મૂછો અને આખા ચહેરામાં થોડીક કડકાઈ. આછકલાઈ, અધીરાઈ તો દસ ગાઉમાં જોયાં ન જડે. સહજ ખુમારી, પણ વિજ્યનું આત્મભાન નહીં. કૌટિલ્ય કહે છે તેવી ‘આત્મવત્તાવાળો પુરુષ.

અમે વિદ્યાર્થીઓ નેતાઓની – સ૨દા૨ની પણ થોડીક ચિકિત્સા કરતા, પણ અમને એક વાતની પ્રતીતિ હતી – આ પુરુષના વાવટા નીચે મરવામાં સ્વાદ આવે. દરેક લડતમાં પૂર્વતૈયારી કરતા સરદાર બધે ઘૂમી વળતા અને સરકાર એમને પહેલી પકડી લેતી. સ્વાતંત્ર્યસંગ્રામની ત્રિમૂર્તિ – ગાંધી, સરદાર, નેહરુ – માં અભય એ સૌથી આગળ પડતો ગુણ હતો, અને એથી સરકાર એમનાથી ખૂબ મૂંઝાતી.

અમદાવાદ મ્યુનિસિપાલિટીના સરદાર પ્રમુખ હતા ત્યારે હાથમાં ઝાડુ લઈને એમણે સાથીઓ સાથે રસ્તા સાફ કર્યા ત્યારે એની ધૂળથી લંડનના વ્હાઇટહૉલના ગોરા હાકેમો આંખો ચોળવા લાગ્યા. બારડોલીથી તેઓની ઊંઘ ઊડી. દેશ સમગ્રના કૉંગ્રેસ સંગઠનને વ્યવહારદક્ષ સરદારે બ્રિટિશરો સાથેના મુકાબલાને યોગ્ય બનાવ્યું.

બૅરિસ્ટરની પરીક્ષા માટે ઇંગ્લૅન્ડ ગયેલા ત્યારે સત્ત૨સત્તર કલાક અધ્યયન કર્યું. અગિયાર માઈલ ચાલીને બ્રિટિશ મ્યુઝીયમ જાય. દાખલ થવામાં પહેલા, છેલ્લે બંધ કરવા પટાવાળો બહાર કાઢે ત્યારે નીકળે. પહેલે નંબરે પસાર થયા. આવા બૌદ્ધિક (Intellectual) હતા. પણ પછી ચોપડીને હાથ કોણ જાણે ક્યારે અડાડ્યો હશે. ગુજરાત ક્લબમાં પાનાં રમતાં વકીલો આગળ ભાષણ કરી રહેલા ગાંધીની ઠેકડી કરી, પણ એ નર માથું હાથમાં લઈને ફરે છે એ જોવા મળ્યું કે તરત એની પડખે જઈને ઊભા રહ્યા અને એના કામનો બોજ પોતાથી શક્ય હોય તેટલો બધો ઉઠાવ્યે ગયા. શતરંજની રમત એમને ગમતી, પણ રાજકીય શતરંજ ૫૨ સારો વખત એમની નજર રહે. આસામથી ફોન આવ્યો. થોડા જ શબ્દોમાં આદેશ આપી દે. લાહોરથી ઘંટડી રણકી. હા, સ૨ સિકન્દરને આ પ્રમાણે કહી દો. – ઉત્તરો શોધવા જવા ન પડે. અમદાવાદમાં ડૉ. કાનુગાને બંગલે ઉપરના માળે કે બારડોલીના આંબા નીચે આંટા મારતા હોય, એમનું ધ્યાન નિરંતર લાગેલું હોય ભારતની પરિસ્થિતિ એ ૫૨. ભારત સાથેની આ સમરૂપતા, તાદામ્ય (Identification) એ એમનું જીવન હતું.

એમના મોટાભાઈ દેશભક્ત વિઠ્ઠલભાઈનો મૃતદેહ પરદેશથી મુંબઈ આવ્યો ત્યારે સરકારની રજા મેળવી પેરોલ પર છૂટવાનું સૂચન એમણે કાન તળે કાઢ્યું : ‘હું બહાર જઈશ તો શું જીવતા થશે ?’ અંત ઘડી પાસે આવી ત્યારે એ મુંબઈ આવ્યા. પણ દીકરાને ત્યાં ન ગયા. મા વિનાના દીકરાને ઉછેરનાર પિતા એની અમુક જાહેર પ્રવૃત્તિ અંગે પ્રજાને અંદેશો હોઈ મૃત્યુ ઘડીએ પણ એનાથી દૂર રહ્યા ! અને આ સરદાર નાનામાં નાના સૈનિકની વિગતે સંભાળ રાખતા.

સરદાર એ સરદાર હતા કારણ કે મોટા સૈનિક હતા. સરદાર લોખંડી પુરુષ હતા કેમ કે પુષ્પ કરતાંયે કોમળ હતા. સરદાર સૌના બની રહ્યા કારણ કે એ પોતાના રહ્યા ન હતા.

એમની ખરી કસોટી ગાંધીજીના ગયા પછી હતી. ગાંધીજીએ દિલ્હીની ગાદી માટે સરદારને આગળ ન ધર્યાં. ગાંધીજી ઓછા ગુજરાતના જ હતા, ભારતના બલકે વિશ્વના હતા. વિશ્વ આગળ પોતાના ભારતની – પોતાની વાત મૂકવા એમણે વારસદાર તરીકે નેહરુને પસંદ કર્યા. સરદારે દેશની અંદરની, દેશી રાજ્યોને થાળે પાડવાની, દેશની એકતાના શિલ્પી તરીકેની કામગીરી યશસ્વી રીતે પાર પાડી. આપણો દેશ એવડો મોટો અને અનેક મોટી સમસ્યાઓવાળો છે કે વિવિધ પ્રકારના મહાન પુરુષોની સેવાઓની એને હંમેશાં જરૂ૨ રહે. તે મહાજનો એકમેકની પૂરક સેવાઓની અગત્યને પિછાનતા હોય છે, જોકે એમના ઉત્સાહી અનુયાયીઓને એ એટલું સમજાતું નથી હોતું. સરદારે ગાંધીજીની હત્યા થઈ એ સાંજે વાયુપ્રવચનની મેરે ભાઈ વાહરલાલને જો કહા…’ એવી શરૂઆત કરીને સારા દેશને પોતે વડા પ્રધાનને ટેકો અને હૂંફ આપશે એ વિતિ કરી દીધું. જવાહરલાલ પણ મહાનુભાવ હતા. એક વખત એમણે માય લીડર – મારા નેતા – એવા ઉલ્લાસભર્યા ઉલ્લેખથી એમને બિરદાવ્યા. તેઓ બંનેનાં વ્યક્તિત્વ એકમેકને પૂરક બની રહ્યાં, કેમ કે બંનેની એકમાત્ર લગની ભારત માટેની હતી. આજે ભ્રષ્ટાચાર અને ચૂંટણી પદ્ધતિ અંગે દેશમાં બે નેતાઓ વચ્ચે વિવાદ બલકે સંઘર્ષ જામ્યો છે ત્યારે ભારતમાતાની આંતરડી ઠરે એવું કાંઈ થાય એવી અપેક્ષા સૌને રહે તો એ સ્વાભાવિક છે.

આપણને આજે બારડોલીના સરદાર જોઈએ છે, લોકશક્તિને જગાડનાર, અન્યાય – અનાચાર સામે માથું ઊંચકવાની શક્તિ પ્રેરનાર, માટીમાંથી મર્દો ઘડનાર.

આપણને આજે દેશી રાજ્યોનું વિલીનીકરણ સાધીને રાષ્ટ્રની એકતાનું રખોપું ક૨ના૨ સરદાર જોઈએ છે, રાષ્ટ્રના વિકાસની સલામતી અને શાંતિભરી ભૂમિકા સર્જનાર અને જાળવનાર.

દેશની એકતા સંરક્ષીને અન્યાય – અનાચાર સામેની ઝુંબેશ વિજયી બનાવવા દ્વારા આપણે સરદારની જન્મશતાબ્દી યોગ્ય રીતે ઊજવી શકીએ.

સરદાર વલ્લભભાઈ પટેલ નિબંધ
સરદાર વલ્લભભાઈ પટેલ નિબંધ

આ નિબંધ પણ વાંચો.

5/5 - (1 vote)

અસ્લમ માથકીયા

Founder & CEO

મારુ નામ અસ્લમ માથકીયા છે. હું Aslam Mathakiya.com નો ફાઉન્ડર છું, મે આ પર્સનલ બ્લોગ સામાન્ય વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી ઉપયોગી માહિતી મળી રહે જેવીકે, સમાચાર, સ્પોર્ટ્સ સમાચાર, હેલ્થ રિલેટેડ તમામ અપડેટ, રોગો વિષે સામાન્ય માહિતી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન, વ્યક્તિ વિશેષ વગેરે માહિતી તમારા સુધી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment